Search This Website

Monday 9 January 2023

વડોદરા જિલ્લા કલેક્ટરે જપ્તીનું શસ્ત્ર ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને ગુજ-રેરાના હુકમ પ્રમાણે રૂ. 1.58 કરોડ આપ્યા

 

વડોદરા જિલ્લા કલેક્ટરે જપ્તીનું શસ્ત્ર ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને ગુજ-રેરાના હુકમ પ્રમાણે રૂ. 1.58 કરોડ આપ્યા





  • કલેક્ટર તંત્રએ જપ્તિનો દંડો ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને રૂ. 1.58 કરોડ આપ્યા

  • ગુજ-રેરાના હુકમને લઈને રૂ. ૧.૫૮ કરોડની રકમ ડીડીથી આપી

  • ત્રણ બિલ્ડરો નિયત સમયમાં પ્રોજેક્ટ ન પૂરો કરી મકાન નોંધાવનાર વ્યક્તિને રકમ વ્યાજ સાથે આપવામાં ગલ્લાતલ્લા કરતા હતા

રેરા સમક્ષ પાંચ વર્ષ સુધી ચાલેલા કેસ બાદ એક વ્યક્તિને ચૂકવાવાની થતી મસ મોટી રકમ આપવામાં ગલ્લાતલ્લા કરતા વડોદરા શહેરના ત્રણ બિલ્ડરો સામે કલેક્ટર તંત્ર દ્વારા જપ્તિનું શસ્ત્ર ઉગાવવામાં આવતાની સાથે જ ત્રણેય બિલ્ડરોએ ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી આપી અરજદારને ચૂકવણી શરૂ કરી દીધી હતી.

સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે, અહીંના માંજલપુર ખાતે રહેતા શ્રી સતિષભાઇ પટેલે વર્ષ ૨૦૧૪માં બિલ્ડર એવા મિનેશ શાહ, અંકિત રાઠોડ અને જયેન્દ્ર પટેલના ભાયલી રોડ ખાતેના શ્રી મુક્તિ વિલાસ નામના નિવાસી પ્રોજેક્ટમાં રૂ. ૧.૨૧ કરોડનું મકાન બૂક કરાવ્યું હતું. જેની કાયદાકીય પ્રક્રીયા અનુસરવામાં આવી હતી અને બાના ખત કરવામાં આવ્યું હતું.
અરજદાર સતિષભાઇએ આ માટે લોન પણ લીધી હતી. તેમણે આ માટે રૂ. ૮૮ લાખનું ચૂકવણું પણ બિલ્ડરોને કરી દીધી હતું. આ બિલ્ડરોએ ૨૦૧૬માં મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરી કબજો આપવાનો હતો. પણ, નિયત સમયમાં પ્રોજેક્ટર પૂર્ણ ના થતાં અને પોતાના ઉપર બેંકના હપ્તા પેટે રૂ. ૫૨ હજારનું ભારણ થતાં સતિષભાઇએ ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી સમક્ષ પોતાની ફરિયાદ દાખલ કરી હતી. એ દરમિયાન આ પ્રોજેક્ટના કોઇ ઠેકાણા નહોંતા.
એ દરમિયાન કોરોના કાળને બાદ કરતા રેરા સમક્ષ આ સમગ્ર પ્રકરણ ચાલી ગયું હતું અને તેમાં બિલ્ડરોની હાર થઇ હતી. આ કેસ ચાલવા ઉપર આવતા બિલ્ડરોએ છ માસમાં અરજદારને ચડત વ્યાજ સાથે રૂ. ૧.૨૭ કરોડ ચૂકવવા માટેની લેખિતની બાંહેધરી આપી હતી. જે પેટે તેમણે પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. રેરાએ કાયદા અને નિયમો અનુસાર સતિષભાઇને તેમના રૂ. ૧૦.૫ ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો. જો કે, નિયત સમયમાં રકમની ચૂકવણી ના થતાં અરજદારે ઓર્ડરની અમલવારી માટે ફરી રેરા સમક્ષ અરજી દાખલ કરી હતી.
હવે થયું એવું કે જ્યારે અરજદારે એ ચેક બેંકમાં નાખ્યા ત્યારે તે રિટર્ન થયા હતા. તેની સામે અરજદારે ફરી રેરા કોર્ટ ઉપરાંત દિવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. રેરા કોર્ટે આ રકમની મહેસુલી રાહે વસુલાત કરવા માટે વડોદરા કલેક્ટર સમક્ષ રિક્વરી સર્ટિફિકેટ જારી કર્યું હતું. અરજદારની હાર્ડશીપને ધ્યાને રાખીને કલેક્ટર શ્રી અતુલ ગોરે રેરા કોર્ટના આદેશનો તુરંત અમલ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
અરજદારને આપેલી વિગતોને આધારે બિલ્ડરોની મિલ્કતોની મામલતદાર-પશ્ચિમ તંત્ર દ્વારા ટાંચમાં લેવાની પ્રક્રીયા શરૂ કરતા બિલ્ડરોના પગ તળે રેલો આવ્યો હતો અને તેમણે અરજદારને રૂ. ૧.૫૮ કરોડની રકમ રેરા કોર્ટમાં જમા કરાવ્યા બાદ સતિષભાઇને આ રકમ મળી ચૂકેલ છે.
એ દરમિયાન, અરજદારોએ જપ્તિની કાર્યવાહી રોકવા માટે રેરા ઓથોરિટીમાં પણ રિવ્યુ અરજી કરી હતી. જેને પણ ખારીજ કરી દેવામાં આવી હતી. આટલી લાંબી લડત દરમિયાન સતિષભાઇને સરકારી તંત્ર અને રેરા કાયદો ખૂબ જ ઉપયોગી થયો છે.

No comments:

Post a Comment